શૈક્ષણિક જગતમા થતા ફેરફારો અને અન્ય શિક્ષણ ઉપયોગી માહિતિ માટે આ બ્લોગની મુલાકાત લેતા રહો ........બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર.......

શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

તા.૨૫/૯/૨૦૨૬ ને શુક્રવાર ના રોજ ગુણોત્સવ મૂલ્યાંકન અંતર્ગત વેરિફાયર્સ તરીકે શ્રી લાલાભાઈ પટેલ અને શ્રી મુકેશભાઈ ઠાકોરે ભુરગઢ અનુપમ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. દિવસ દરમિયાન તેમણે શાળાની વિવિધ શૈક્ષણિક તેમજ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું.**શાળાની શૈક્ષણિક કામગીરી, વ્યવસ્થાપન અને વિવિધ પ્રવૃત્તિઓની પ્રશંસા કરી શાળાપરિવારને અભિનંદન પાઠવ્યા હતા તેમજ ગુણવત્તાસભર શૈક્ષણિક કાર્ય માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમની મુલાકાત શાળાપરિવાર માટે પ્રેરણાદાયી રહી હતી.*

*🌴हमारी संस्कृति, हमारी पहचान।🌴* શિક્ષણ, સંસ્કાર અને સાંસ્કૃતિક વારસાના સુભગ સમન્વય અનુસાર આજે અમારી ભુરગઢ અનુપમ પ્રાથમિક શાળામાં વિઘ્નહર્તા ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી. કોઈપણ તહેવાર, પ્રસંગ કે ઉત્સવની ઉજવણી બાળકોમાં કલા, સાહિત્ય, સંસ્કાર અને તેની સાથે જોડાયેલ પ્રાકૃતિક અને વૈજ્ઞાનિક અભિગમનું સિંચન કરે છે. તે અનુસાર શાળાના બાળકોએ માટીમાંથી ગણપતિ બાપાની મૂર્તિ બનાવી, ઘણાં બાળકોએ કાગળ પર ગણપતિ બાપાની આકૃતિ બનાવી તો ઘણા બાળકોએ રંગપૂરણી અને ચીટકકામ પણ કર્યું. વળી તોરણ અને સ્થાન સુશોભન પણ કરવામાં આવ્યું. શાળા પરિવાર અને બાળકો દ્વારા સંગીતના સાધનો અને સંગીતના નાદ સાથે શાળાના પ્રાંગણમાં ગણપતિ બાપાને બિરાજમાન કરવામાં આવ્યા. ખરેખર બાળકોને ખૂબ મજા આવી અને શાળાનું સમગ્ર વાતાવરણ ગણપતિ બાપ્પા મોરીયાના નાદથી ગૂંજી ઉઠ્યું..🕉️

*આજે ભુરગઢ અનુપમ પ્રાથમિક શાળાની સ્થાપનાને ૨૫ વર્ષ પૂર્ણ થયા. શાળા સ્થાપના દિવસની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ...💐* સૌના સહિયારા પ્રયાસો થકી આપણી શાળા ઉત્તરોત્તર પ્રગતિના શિખરો સર કરતી રહે, ને વિદ્યાર્થીઓના ઉજ્જ્વળ ભાવિનું ઘડતર કરતી રહે તેવી શુભેચ્છાઓ...💐🕉️

ગુરુવાર, 27 ઑગસ્ટ, 2026

રક્ષાબંધનની ઉજવણી ૨૭/૦૮/૨૦૨૬


*🌴 રક્ષાબંધન પર્વની ઉજવણી🌴* 
ભુરગઢ અનુપમ શાળામાં ભારતીય સંસ્કૃતિના મૂલ્યો અને ભાઈ-બહેનના પવિત્ર સ્નેહને ઉજાગર કરતા રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બાળકોએ ઉત્સાહપૂર્વક હેન્ડમેડ રાખડીઓ બનાવવાની સાથે રાખડીના ચિત્રો, ચીટકકામ અને રંગપૂરણી જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો.
ત્યારબાદ વિદ્યાર્થીનીઓએ પોતાના સહાધ્યાયી ભાઈઓને કુમકુમ તિલક કરી, મોં મીઠું કરાવીને રાખડી બાંધી હતી, જેના પ્રતિસાદરૂપે ભાઈઓએ બહેનોને વીરપસલી ભેટ આપી તેમના આદર અને રક્ષણનો સંકલ્પ લીધો હતો.
આ ઉજવણી થકી વિદ્યાર્થીઓમાં પરસ્પર પ્રેમ, સદ્ભાવના અને ભારતીય સંસ્કારોનું સિંચન થયું હતું અને સમગ્ર શાળા પરિવાર એક આત્મીય તથા ઉત્સાહસભર વાતાવરણમાં રંગાઈ ગયો હતો.

મંગળવાર, 30 જૂન, 2026

*🌴બાળસંસદ ચૂંટણી : ૨૦૨૬-'૨૭🌴*ભુરગઢ અનુપમ શાળામાં ૩૦ જૂન ના રોજ બાળકો ભારતીય ચૂંટણી પ્રક્રિયાથી વાકેફ થાય, તેની કાર્યપદ્ધતિ અને ઉપયોગીતાને પ્રત્યક્ષ નિહાળે અને સમજે એ માટે આજ રોજ શાળા બાલસંસદનાં મહામંત્રી અને ઉપમહામંત્રીના પદ માટે *ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) સિસ્ટમ* દ્વારા લોકશાહી ઢબે ચૂંટણી યોજવામાં આવી.ચૂંટણી જાહેરનામું, ઉમેદવારી ફોર્મ ભરવું, ફોર્મ ચકાસણી, ભૂલવાળાં ફોર્મ રદ થવાં, ઉમેદવારી પાછી ખેંચવા ફોર્મ પરત લેવું, ચૂંટણી પ્રચાર, આદર્શ ચૂંટણીબૂથ, વોટિંગ પ્રક્રિયા, મત ગણતરી અને વિજેતા ઉમેદવારની શપથવિધિ આ તમામ પ્રક્રિયા ખૂબ સુંદર રીતે યોજાઈ. અંતે બે ઉમેદવારો વચ્ચેના ખરાખરીના જંગમાં *જનકીબેન કિર્તીજી મકવાણા* સૌથી વધુ મત મેળવી વિજેતા થયા. તેમણે મહામંત્રી તરીકે શપથ ગ્રહણ કરી પોતાનો કાર્યભાર સંભાળ્યો. જ્યારે મહેન્દ્રભાઈ પ્રવીણજી સોલંકી એ ઉપમહામંત્રીનો કાર્યભાર સંભાળ્યો. આમ, મોબાઈલમાં વોટીંગ મશીન એપ્લિકેશન દ્વારા બાળકોએ ચૂંટણી પ્રક્રિયાનો પ્રત્યક્ષ અનુભવ કર્યો.

ગુરુવાર, 9 એપ્રિલ, 2026

*🌴ભુરગઢના આંગણે ગૌરવવંતી ક્ષણ : આદરણીય પ્રાચાર્યશ્રીની પ્રેરણાદાયી મુલાકાત🌴*​આજ રોજ ડાયટ, પાલનપુરના આદરણીય પ્રાચાર્ય શ્રી ધુડાભાઈ સાહેબ તથા બાળપ્રેમી લેક્ચરર શ્રીમતી વર્ષાબેન પ્રજાપતિએ અમારી ભુરગઢ અનુપમ શાળાની સદભાવના મુલાકાત લીધી. અંતરિયાળ વિસ્તારમાં આવેલી અમારી શાળામાં જ્યારે ઉચ્ચ અધિકારીશ્રીઓ ખાસ સમય ફાળવીને પધાર્યા, ત્યારે સમગ્ર શાળા પરિવારમાં હર્ષની લાગણી પ્રસરી ગઈ હતી. સાહેબશ્રી અને બેનશ્રીએ શાળાના શૈક્ષણિક અને ભૌતિક ભાવાવરણનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.​શાળાની શિસ્ત, સુંદરતા અને બાળકોના વિકાસ માટે થતી પ્રવૃત્તિઓ જોઈને તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા અને શાળા પરિવારની નિષ્ઠાપૂર્વકની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. તેમણે માત્ર મુલાકાત જ ન લીધી, પરંતુ આગામી સમયમાં શાળાને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે અમૂલ્ય માર્ગદર્શન અને પ્રેરણા પણ પૂરી પાડી હતી.સામાન્ય રીતે અંતરિયાળ વિસ્તારોમાં અધિકારીશ્રીઓનું આગમન દુર્લભ હોય છે, ત્યારે સાહેબશ્રી અને બહેનશ્રીએ આપેલા સમય અને પ્રોત્સાહન બદલ અમે હૃદયપૂર્વક તેમનો આભાર માનીએ છીએ. આ મુલાકાત અમારા માટે ઉર્જાનો નવો સ્ત્રોત બની રહેશે.

શનિવાર, 28 ફેબ્રુઆરી, 2026

ભુરગઢ અનુપમ પ્રાથમિક શાળામાં હોળી ધુળેટી ની ભવ્ય ઉજવણી ૨૮/૦૨/૨૦૨૬

*🌴ભુરગઢ શાળામાં ભારતીય સંસ્કૃતિના પર્વ હોળી-ધૂળેટીની ભવ્ય ઉજવણી🌴*
_​"અસત્યની રાખ પર સત્યના વિજયનો મંગલ ઉદ્ઘોષ એટલે હોળી અને સ્નેહના રંગોથી હૈયાં ભીંજવતું પર્વ એટલે ધૂળેટી."_
​આજરોજ ભુરગઢ શાળાના પ્રાંગણમાં ભારતીય સંસ્કૃતિના પ્રાણસમા હોળી-ધૂળેટી પર્વની ઉજવણી અત્યંત હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી. પરંપરાના જતન કાજે, વિદ્યાર્થીઓ દ્વારા સ્વહસ્તે તૈયાર કરાયેલા છાણના હોળાયાં અને કાષ્ઠના પવિત્ર સમન્વયથી *'વૈદિક હોળી'* નું પ્રગટીકરણ કરવામાં આવ્યું હતું. અગ્નિદેવની સાક્ષીએ સમસ્ત શાળા પરિવાર અને ભૂલકાઓએ શ્રદ્ધાપૂર્વક હોલિકા પૂજન કરી પ્રદક્ષિણા કરી હતી, અને તેની દિવ્ય જ્વાળાઓમાંથી મંગલ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ખજૂર-ધાણીના પૌષ્ટિક પ્રસાદની લ્હાણી બાદ, વાતાવરણમાં ઉત્સાહનું ઘોડાપૂર ઉમટ્યું હતું. વિદ્યાર્થીઓએ કૃત્રિમતાને તિલાંજલિ આપી, પ્રકૃતિદત્ત અબીલ-ગુલાલની છોળો ઉડાડીને એકબીજાને સ્નેહના રંગે રંગ્યા હતા. રંગબેરંગી ગુલાલથી ખીલેલા બાળકોના ચહેરાઓ જાણે વસંતના પુષ્પો સમાન શોભી રહ્યા હતા. આમ, પરંપરાગત મૂલ્યો, પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ અને પરસ્પર પ્રેમની ભાવના સાથે ભુરગઢ શાળાએ આ મહોત્સવને ખરા અર્થમાં દીપાવ્યો હતો.