ગુરુવાર, 12 માર્ચ, 2026
સોમવાર, 2 માર્ચ, 2026
ઈન્સ્પાયર એવોર્ડ માનાંક ૨૦૨૫-૨૬માં શ્રી ભુરગઢ અનુપમ પ્રાથમિક શાળાની ગૌરવપૂર્ણ સિદ્ધિ...💫આ વર્ષે ભુરગઢનો એક પ્રોજેક્ટ સિલેક્ટ થયો.શાળા માટે આનંદ અને ગૌરવની બાબત છે કે સતત છ વર્ષથી ઈન્સ્પાયર એવોર્ડ માટે ભુરગઢ શાળાના એક કે બે પ્રોજેક્ટ દર વર્ષે પસંદગી પામ્યા છે. જે બદલ બાળવૈજ્ઞાનિકો તથા માર્ગદર્શક ગુરુજીઓ અને શાળા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ...
શનિવાર, 28 ફેબ્રુઆરી, 2026
ભુરગઢ અનુપમ પ્રાથમિક શાળામાં હોળી ધુળેટી ની ભવ્ય ઉજવણી ૨૮/૦૨/૨૦૨૬
*🌴ભુરગઢ શાળામાં ભારતીય સંસ્કૃતિના પર્વ હોળી-ધૂળેટીની ભવ્ય ઉજવણી🌴*
_"અસત્યની રાખ પર સત્યના વિજયનો મંગલ ઉદ્ઘોષ એટલે હોળી અને સ્નેહના રંગોથી હૈયાં ભીંજવતું પર્વ એટલે ધૂળેટી."_
આજરોજ ભુરગઢ શાળાના પ્રાંગણમાં ભારતીય સંસ્કૃતિના પ્રાણસમા હોળી-ધૂળેટી પર્વની ઉજવણી અત્યંત હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી. પરંપરાના જતન કાજે, વિદ્યાર્થીઓ દ્વારા સ્વહસ્તે તૈયાર કરાયેલા છાણના હોળાયાં અને કાષ્ઠના પવિત્ર સમન્વયથી *'વૈદિક હોળી'* નું પ્રગટીકરણ કરવામાં આવ્યું હતું. અગ્નિદેવની સાક્ષીએ સમસ્ત શાળા પરિવાર અને ભૂલકાઓએ શ્રદ્ધાપૂર્વક હોલિકા પૂજન કરી પ્રદક્ષિણા કરી હતી, અને તેની દિવ્ય જ્વાળાઓમાંથી મંગલ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ખજૂર-ધાણીના પૌષ્ટિક પ્રસાદની લ્હાણી બાદ, વાતાવરણમાં ઉત્સાહનું ઘોડાપૂર ઉમટ્યું હતું. વિદ્યાર્થીઓએ કૃત્રિમતાને તિલાંજલિ આપી, પ્રકૃતિદત્ત અબીલ-ગુલાલની છોળો ઉડાડીને એકબીજાને સ્નેહના રંગે રંગ્યા હતા. રંગબેરંગી ગુલાલથી ખીલેલા બાળકોના ચહેરાઓ જાણે વસંતના પુષ્પો સમાન શોભી રહ્યા હતા. આમ, પરંપરાગત મૂલ્યો, પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ અને પરસ્પર પ્રેમની ભાવના સાથે ભુરગઢ શાળાએ આ મહોત્સવને ખરા અર્થમાં દીપાવ્યો હતો.
બુધવાર, 31 ડિસેમ્બર, 2025
30/12/2025 એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ
*🌴ભુરગઢ અનુપમ શાળાનો નડાબેટ પ્રવાસ : એક અવિસ્મરણીય અનુભવ🌴*
ગઈકાલે ભુરગઢ અનુપમ શાળાના વિદ્યાર્થીઓ માટે એક યાદગાર શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવાસની શરૂઆત વહેલી સવારે થઈ હતી, જેમાં સૌપ્રથમ અમે લુણાલ નકળંગ ધામના દર્શને પહોંચ્યા હતા. ત્યાંના પવિત્ર વાતાવરણમાં દર્શન કર્યા બાદ મંદિરની બાજુમાં આવેલા સુંદર 'વૃંદાવન બાગ'માં બાળકોએ ટહેલવાનો અને કુદરતી સૌંદર્યનો આનંદ માણ્યો હતો. ત્યાંથી પ્રવાસ આગળ વધ્યો અને ઢીમા ખાતે ધરણીધર ભગવાનના દર્શન કરી સૌએ ધન્યતા અનુભવી. અહીં બાળકોએ ઉત્સાહપૂર્વક બજારમાંથી નાની-મોટી ખરીદીની મજા પણ લીધી હતી.
ત્યારબાદ પ્રવાસનું મુખ્ય કેન્દ્ર એવા નડાબેટ (સીમા દર્શન) ખાતે પહોંચ્યા. સૌપ્રથમ નડેશ્વરી માતાના ચરણોમાં શીશ ઝુકાવ્યા બાદ સમુહભોજન લઈ ત્યાંના ભવ્ય મ્યુઝિયમની મુલાકાત લીધી. મ્યુઝિયમમાં સૈનિકોના જીવન અને શૌર્યગાથાનું સુંદર પ્રદર્શન નિહાળવા મળ્યું. ખાસ કરીને સૈનિકોની કઠિન ટ્રેનિંગ અને તેમના શક્તિશાળી હથિયારોનું નિદર્શન જોઈને બાળકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જ્ઞાન સાથે ગમ્મત માણતા બાળકોએ વિવિધ રાઇડ્સ અને રમત-ગમતના સાધનો પર ખૂબ મોજ કરી હતી. સાંજ પડતાની સાથે જ સૈનિકો દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી શિસ્તબદ્ધ અને જોરદાર પરેડ જોઈને સૌ કોઈ દેશભક્તિના રંગે રંગાઈ ભાવવિભોર બની ગયા હતા. અંતમાં, સાંજે સૌએ સાથે મળીને આનંદપૂર્વક સમૂહ ભોજન લીધું અને મોજ-મસ્તી સાથે મીઠી યાદોને હૃદયમાં ભરી સુરક્ષિત રીતે શાળાએ પરત ફર્યા.
રવિવાર, 5 ઑક્ટોબર, 2025
*🌴શિક્ષકદિન અને શાળા સ્થાપનાદિનની ઉજવણી તથા ગણેશવિસર્જન🌴*આજે ભુરગઢ અનુપમ શાળામાં શિક્ષક દિનની અનોખી ઉજવણી કરવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓએ શિક્ષક બનીને સમગ્ર શાળા સંભાળી, શિક્ષણકાર્ય કર્યું તથા શિક્ષક બનવાનો અનુભવ વ્યક્ત કર્યો. બાળકોએ પોતાના વિચારો રજૂ કરતાં શિક્ષકનું મહત્વ સુંદર રીતે સમજાવ્યું.સોનામાં સુગંધ ભળે એમ ચૌધરી લખાજી મોડાજી તરફથી સૌ વિદ્યાર્થીઓને તિથિભોજનમાં આપવામાં આવ્યું.ત્યારબાદ શાળાના સ્થાપના દિવસની ઉજવણી પણ ઉત્સાહપૂર્વક કરવામાં આવી. બાળકો શાળાને જન્મદિનની શુભકામનાઓ પાઠવતાં સુંદર કાર્ડ બનાવીને લાવ્યાં હતાં. દીકરીઓએ દીપ પ્રગટાવીને અને સર્વે વિદ્યાર્થીઓએ જન્મદિનનું ગીત ગાઈને આનંદભેર સ્થાપના દિવસ ઉજવ્યો.ત્યારબાદ બાળકો દ્વારા જ બનાવવામાં આવેલા માટીના ગણપતિની પૂજા-આરતી કરી શ્રદ્ધાભાવે વિસર્જન કરવામાં આવ્યું. અંતે ગણેશજીના ગરબાના તાલે સૌ વિદ્યાર્થીઓએ રમઝટ બોલાવી અને ઉલ્લાસપૂર્વક આજના કાર્યક્રમોની પૂર્ણાહુતિ કરવામાં આવી.આ રીતે શિક્ષક દિન, શાળાના સ્થાપના દિન તથા ગણેશ વિસર્જનની ત્રિવિધ ઉજવણીથી ભુરગઢ અનુપમ શાળા આનંદ, ભક્તિ અને ઉત્સાહના રંગોમાં રંગાઈ ઊઠી હતી.
મંગળવાર, 9 જુલાઈ, 2024
*🌴બાળ સંસદ ચૂંટણી🌴*ભુરગઢ અનુપમ શાળામાં ૯ જુલાઈના રોજ મહામંત્રી અને ઉપમહામંત્રીના પદ માટે *ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) સિસ્ટમ* દ્વારા લોકશાહી ઢબે બાળસંસદની ચૂંટણી યોજવામાં આવી.(ચૂંટણી જાહેરનામું, ઉમેદવારી ફોર્મ ભરવું, ફોર્મ ચકાસણી, ભૂલવાળાં ફોર્મ રદ થવાં, ઉમેદવારી પાછી ખેંચવા ફોર્મ પરત લેવું, ચૂંટણી પ્રચાર, આદર્શ ચૂંટણીબૂથ, વોટિંગ પ્રક્રિયા, મત ગણતરી અને વિજેતા ઉમેદવારની શપથવિધિ આ તમામ પ્રક્રિયા ખૂબ સુંદર રીતે યોજાઈ. અંતે ચાર ઉમેદવારો વચ્ચેના ખરખખરીના જંગમાં *કંકુબેન ચૌહાણ* સૌથી વધુ મત મેળવી વિજેતા થયા. તેમણે મહામંત્રી તરીકે શપથ ગ્રહણ કરી પોતાનો કાર્યભાર સંભાળ્યો. જ્યારે રાહુલભાઈ સોલંકીએ ઉપમહામંત્રીનો કાર્યભાર સંભાળ્યો. આમ, મોબાઈલ અને ટેબલેટમાં વોટીંગ મશીન એપ્લિકેશન દ્વારા બાળકોએ ચૂંટણી પ્રક્રિયાનો પ્રત્યક્ષ અનુભવ કર્યો.)
મંગળવાર, 2 એપ્રિલ, 2024
દીક્ષાંત સમારોહ
*🌴દીક્ષાંત સમારોહ🌴*
*મંઝીલને ઢૂંઢવા દિશા કપરી જવું પડે,*
*છોડી જૂનું વતન નવી નગરી જવું પડે..*
આજ રોજ ધોરણ 8 ના બાળકોના દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ધોરણ 8 નાં બાળકોએ પોતાનાં શાળા જીવનનાં સંસ્મરણો વાગોળ્યાં અને પ્રતિભાવો રજૂ કર્યા.
શાળા પરિવારવતી બધા જ વિદ્યાર્થીઓને *"દીકરો મારો દોસ્ત"* અને વિદ્યાર્થીનીઓને *"દીકરી મારી દુલારી"* પુસ્તક, *બોલપેન* તથા *સ્મૃતિપત્ર* આપી પોતાના શૈક્ષણિક અને સામાજિક જીવનમાં પણ ખૂબ જ આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી...
શાળાના ગુરુજીઓ તરફથી તમામ બાળકોને *પાણીપુરીનો નાસ્તો* કરાવવામાં આવ્યો.
શાળા વિકાસના કામ માટે હંમેશાં તત્પર એવા *ચૌધરી કુંપાજી નાગજીજી* તરફથી શાળામાં *સરસ્વતીના મંદિરવાળી ખુરશી* ભેટ આપવામાં આવી. જે બદલ દાતાશ્રીનો શાળા પરિવાર હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.
ધોરણ ૮ નાં બાળકો તરફથી પણ શાળાને *ન્યુઝપેપર સ્ટેન્ડ* ની ભેટ આપવામાં આવી. શાળા પ્રત્યે પોતાનું ઋણ અદા કરનાર તમામ વિદ્યાર્થીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા શાળા પરિવારવતી આશીર્વાદ...
🙏🇮🇳
